Loading...

બોયફ્રેન્ડ માટે ચોર બની ગઈ મુંબઈની બે ગુજરાતી કોલેજ ગર્લ્સ

કોલેજમાં ભણતી બે ગુજરાતી યુવતીઓની રેલવે પોલીસે મોબાઈલ ફોન ચોરવાના આરોપમાં ધરપકડ કરી છે. આ બંને યુવતીઓએ અત્યાર સુધી લોકલ ટ્રેનમાંથી 38 મોબાઈલ ફોન ચોર્યા હોવાની કબૂલાત કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, બંને યુવતીઓ પોતાના બોયફ્રેન્ડ માટે ચોરીના રવાડે ચઢી હતી, અને બંનેનો બોયફ્રેન્ડ એક જ શખ્સ હતો.

Loading...

પોલીસના જણાવ્યા અનુસાર, ટ્વિંકલ સોની (ઉં. 20 વર્ષ) અને ટીનલ પરમાર (ઉં. 19 વર્ષ) રિષી સિંઘ નામના પોતાના બોયફ્રેન્ડને ચોરેલા ફોન દ્વારા મળેલા પૈસા આપતી હતી. રેલવે પોલીસે રાહુલ રાજપુરોહિત નામના શખ્સની પણ ધરપકડ કરી હતી. રાહુલે આ બંને પાસેથી ચોરીના ત્રણ લાખ રુપિયાના મોબાઈલ ખરીદ્યા હતા.

વેસ્ટર્ન રેલવેના ડીસીપી પુરુષોત્તમ કરાડના જણાવ્યા અનુસાર, બોરીવલી સ્ટેશને મોબાઈલ ચોરીના અનેક કેસ નોંધાતા તેમણે ચોરી કરનારાને પકડવા માટે ટીમ બનાવી હતી. મોબાઈલ ચોરીના મોટાભાગના કિસ્સા બોરીવલીથી સાંતાક્રુઝ વચ્ચે જ થયા હતા. શરુઆતની તપાસમાં જ પોલીસને જાણવા મળ્યું છે કે, કોલેજમાં ભણતી બે છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ માટે ફોન ચોરી કરતી હતી.

મોબાઈલ ચોરીની ફરિયાદો મળ્યા બાદ રેલવે પોલીસે કેટલીક મહિલા પોલીસકર્મીઓને સાદા ડ્રેસમાં 30 મેના રોજ કાંદીવલીથી લોકલ ટ્રેનમાં તૈનાત કરી દીધી હતી. બપોરે એકાદ વાગ્યે પોલીસે ટ્વિંકલ સોનીને ફોન ચોરી કરતા રંગેહાથ પકડી લીધી હતી. ટ્વિંકલની પૂછપરછ કરતા તેણે પોતાની સાથી ટીનલ પરમારનું પણ નામ આપ્યું હતું.

પોલીસે કડક પૂછપરછ કરતા ટ્વિંકલે વટાણા વેરી દેતા પોતાના બોયફ્રેન્ડ રિશી અને જેને ફોન વેચવામાં આવતા હતા તે શખ્સનું પણ નામ આપી દીધું હતું. પોલીસનું કહેવું છે કે, જે યુવકે આ બંને છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી છે તે સાત જેટલા કેસમાં વોન્ટેડ છે, અને હાલ પણ પોલીસની પહોંચથી બહાર છે.

Loading...
Loading...