Loading...

મોદી સરકાર સામે પ્રજાનો જંગઃ ૨૦ રાજ્યમાં મહાઆંદોલન

કેન્દ્રની મોદી સરકારની સામે દેશના ખેડૂતોએ આંદોલન છેડી દીધુ છે. ખેડૂતોને આપેલા વચનો પુરા કરવામા તેમજ ટેકાના ભાવ આપવા અને ખેડૂતોની આત્મહત્યા અટકાવવામાં મોદી સરકાર નિષ્ફળ રહી હોવાના આરોપો સાથે આશરે ૨૨ રાજ્યોના ખેડૂતોએ ૧૦ દિવસ માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૃ કરી દીધુ છે. પહેલી જુનથી શરૃ કરેલા આ આંદોલનને મોટા ભાગના રાજ્યોમાં ખેડૂતોનું મોટા પાયે સમર્થન મળી રહ્યું છે. કોઇ પણ પ્રકારની હિંસા કર્યા વગર ખેડૂતો અનોખી રીતે આ આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોએ શહેરોમાં પાક. શાકભાજી, દુધ વગેરે મોકલવાનું બંધ કરી દીધુ છે જ્યારે કેટલાક રાજ્યોમા પાકને રસ્તા પર ફેંકી રહ્યા છે.
દેશમાં સત્તા બદલાઇ તો પણ ખેડૂતોની સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઇ રહી છે તેવો આરોપ ખેડૂત આગેવાનોએ લગાવ્યો હતો અને આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી. પહેલી જુનથી શરૃ થયેલ આ આંદોલન આગામી ૧૦મી જૂન સુધી ચાલશે અને ૧૦મીએ ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. આંદોલનની સૌથી વધુ અસર મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હીમાં થઇ હતી. મોટા ભાગના શહેરોમાં શાકભાજીથી લઇને દુધ, ફળ વગેરેની ભારે અછત ઉભી થઇ ગઇ છે. જેને પગલે માર્કેટો પણ બંધ જોવા મળ્યા હતા.
દેશભરના આશરે ૧૮૦ જેટલા સંગઠનોએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે અને સંયુક્ત રીતે ૧૦ દિવસ માટે આંદોલન શરૃ કરી દીધુ છે. મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં પોલીસ એલર્ટ પર છે. અહીં અગાઉ થયેલા કિસાન આંદોલનમાં સાત ખેડૂતો પોલીસના ગોળીબારમાં માર્યા ગયા હતા. જેને પગલે સ્થિતિ વધુ તંગદીલ બની ગઇ હતી. આવી કોઇ ઘટના હજુસુધી આ વખતના આંદોલનમાં સામે નથી આવી.
થોડા દિવસ પહેલા જ ૫૦ હજાર ખેડૂતોએ નાસીકથી મુંબઇ સુધી રેલી કાઢી હતી. અને હવે દેશવ્યાપી આંદોલન છેડી દીધુ છે જેની અસર આગામી લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. ખેડૂતો મોદી સરકારની વર્તમાન નીતી અને આપેલા વચનો અધુરા રહ્યા હોવાથી નારાજ છે. ટેકાના ભાવ અને વધુ ગયેલુ દેવુ તેમજ સિંચાઇની અસુવિધા ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ છે, જેને પગલે ગરીબ ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે. ખેડૂત આગેવાનોએ જાહેરાત કરી હતી કે ૧૦ દિવસ સુધી ખેડૂતો પોતાના ગામમાં જ શાકભાજી વેચશે, તેઓ પાક, શાકભાજી, દુધ શહેરમાં નહીં મોકલે. આ રીતે શાંતીપૂર્વક પોતાનો વિરોધ કરશે. ખેડૂતોએ માગ કરી છે કે જ્યાં સુધી સ્વામીનાથન કમીશન રિપોર્ટ લાગુ ન થાય ત્યાં સુધી આવા આંદોલન જારી રહેશે.

Loading...
Loading...
Loading...