Loading...

ખેડૂત જન્મે છે દેવાં સાથે અને દેવાં સાથે જ મૃત્યુ પામે છે, દર ૪૧ મિનિટે એક ખેડૂત આપઘાત કરે છે, જાણો ખેડૂતો ની વેદના..

ભારતની સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, ‘શઠ, બદમાશ અને ચાંચિયાઓના હાથમાં સત્તા જઈ રહી છે. પાણીની એક બોટલ કે બ્રેડનો એક ટુકડો પણ કરની જાળમાંથી બચી નહીં શકે. ભારતના તમામ નેતાઓ નબળા અને તણખલા જેવા તુચ્છ છે. તેઓ સત્તા માટે એકબીજા સાથે હંમેશાં બાખડયા કરશે. જેના લીધે ભારત રાજકીય અખાડો બની પોતાની પ્રતિષ્ઠા ગુમાવશે.’ આઝાદીનાં ૭૦ વર્ષ બાદ આજે ચર્ચિલનાં વાક્યો યથાર્થ સાબિત થઈ રહ્યાં છે. દેશમાં જેને જગતના તાતનું બિરૂદ મળ્યું છે એવા ખેડૂતોની કફોડી હાલત છે.વ્યાજનાં વિષચક્રમાં અને દેવાંના ડુંગરમાં દબાયેલા ખેડૂતો નાછૂટકે જીવનલીલા સંકેલી લે છે પરંતુ મગરનાં આંસુ સારીને મોટા ઉપાડે ‘ભારત વિકાસના પંથે’ આગળ વધી રહ્યો હોવાના બણગાં ફૂંકતા નેતાઓને તેની વ્યથા, વેદના અને લાચારી આ જન્મમાં તો શું સાત જન્મમાં પણ નહીં સમજાય. દેશમાં દર ૪૧ મિનિટે એક farmer ફાની દુનિયાને છોડી રહ્યો છે.

Loading...

ખેતીના વ્યવસાયમાં કમાવાનું કંઈ નહીં અને ગુમાવવાનું ઘણું હોય છે. ખેડૂત ખેતરમાં અનાજની વાવણી કરશે પરંતુ, એ અનાજ અને કૃષિપાક ક્યારે ઘરે આવશે, ક્યારે ઊંચો ભાવ મળશે એ કોઈ છાતી ઠોકીને કહી શક્તું નથી. દેશમાં દુર્દશા તો જુઓ કે, ૧૦ વર્ષમાં ૭૦ લાખ ખેડૂતોએ કંટાળીને ખેતીને તિલાંજલિ આપી દીધી છે. પૂર્વ પ્રધાનમંત્રી ચરણસિંહે ખેડૂતો માટે સાચું જ કહ્યું હતું કે, ‘ખેડૂત દેવાં સાથે જન્મે છે અને દેવા સાથે જ મૃત્યુ પામે છે.’ દેશના ૯૮ ટકા ગ્રામીણ ખેડૂતો દેવાંમાં ડૂબેલા છે.

ગતિશીલ ગુજરાત તેમજ ગુજરાત મોડલનો ઢંઢેરો દેશ-વિદેશમાં બરાબરનો પિટવામાં આવે છે. માત્ર હવાહવાઈ કરીને વાહ વાહી લૂંટવાની કોશિશ કરનારા ગુજરાતના નેતાઓએ પણ ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવી સ્થિતિ છે વારંવાર અહીં કહેવામાં આવે છે કે, ગુજરાતનો ખેડૂત દેવાદાર નથી, તેને દેવાનાબૂદીની કોઈ જરૂર નથી. અરે, નેતાઓ તમારી ભલી થાય જરા આંકડા તો જુઓ કે અહીં પણ ૨૦૧૩થી ૨૦૧૫માં ૧,૪૮૩ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે.કયા મોંઢે ખેડૂતોના ઉત્થાનની વાતો કરી રહ્યા છો ? ખરેખર જો ખેડૂતો પ્રત્યે સાચી હમદર્દી હોત તો ગુજરાતના ખેડૂતોને જીવ ન ગુમાવવા પડયા હોત.

દેશમાં જાણી જોઈને બેદરકારીભરી નીતિ ખેડૂતો માટે ઘાતક સાબિત થઈ રહીં છે. કૃષિ ક્ષેત્ર દિવસે-દિવસે ખાડામાં ધકેલાઈ રહ્યું છે. ખેડૂતો સુધી જરૂરી જંતુનાશક દવાઓ પહોંચી શકતી નથી. પાક જંતુઓના હવાલે થઈ જાય છે. કુદરતી જંતુઓ તો મરી જાય છે પણ સરકારી જંતુઓને કોઈ દવાની અસર થતી નથી અને આ જંતુઓ સૌથી ખતરનાક છે તેઓ લાગણી વિહીન અને ધૂતારા છે. કમનસીબી જીવનનો ભાગ બની જાય છે.અંધારી ગુફાની સામે પાર ક્યાંય અજવાળું નથી. ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું બતાવવામાં આવે છે. ૨૦૧૬-૧૭માં કૃષિક્ષેત્રનો વિકાસ જે ૧૨ ટકાના દરે હોવો જોઈએ તે માત્ર ૧.૯ ટકાના દરે હતો.જીડીપી ગ્રોથ ઓવર ઓલ ૭ ટકા છે જેમાં કૃષિ જીડીપી ગ્રોથ માત્ર દોઢથી બે ટકા છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત એટલે ખેડૂતોને ધોળા દિવસે તારા બતાવવા અને હથેળીમાં ચાંદ બતાવવાથી વિશેષ કંઈ નથી.બેન્કોમાં ચાલતી લાલિયાવાડીઓના કારણે બિચારો ખેડૂત લોન માટે પગથિયા ઘસી-ઘસીને થાકી જાય છે. મહાત્મા ગાંધીજીએ જે ગ્રામીણ ભારતની કલ્પના કરી હતી એ કલ્પનાનું બાળમરણ થઈ ગયું છે. ખેડૂતોની આવી સ્થિતિ વચ્ચે ‘જહાં ડાલ-ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા,વો ભારત દેશ હૈ મેરા, જહાં સત્ય અહિંસા ઔર ધર્મ કા પગ-પગ લગતા હૈ ડેરા,વો ભારત દેશ હૈ મેરા.’ભવ્ય ભારતની યશગાથાને ઉજાગર કરતી આ પંક્તિઓ કાળની ગર્તામાં દફન થઈ ગઈ હોય તેવું લાગે છે.

Loading...
Loading...