Loading...

ભાજપ સરકારને કૌભાંડોની સરકાર તરીકે નં. ૧નું બિરૂદ આપી શકાય – પરેશ ધાનાણી

• લાલુપ્રસાદ યાદવના ધાસચારા કૌભાંડ કરતાં ગુજરાતનું ગૌચર કાંડ મોટું. ૪૯૧ કરોડ ચો.મી. ગૌચર, સરકારી પડતર અને ખરાબાની જમીન ઉઘોગપતિઓને અપાઈ.
• ભાજપ સરકારને કૌભાંડોની સરકાર તરીકે નં. ૧નું બિરૂદ આપી શકાય.
• કૌભાંડોના નાણા કમલમ્‍માં ઠલવાય છે.
• બોરીબંધ, ખેતતલાવડીઓના કૌભાંડમાં વિરોધપક્ષને સાથે રાખીને સત્તાપક્ષ તપાસ કરે તેવો વિપક્ષના નેતાનો મુખ્યમંત્રીને પડકાર.
• બિટકોઈન એ નોટબંધી વખતની કમાલ છે, રૂ. ૧૨ કરોડથી શરૂ થયેલું કૌભાંડ રૂ. ૨,૦૦૦ કરોડે પહોંચ્યું છે.
• પેટ્રોલ-ડીઝલને વેટમાંથી જીએસટીમાં લાવી મોંધવારી ધટાડો.

Loading...

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ આજે પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર ચાબખાં મારતા અનેક યોજનામાં થયેલા કૌભાંડો-ભ્રષ્ટાચાર આંકડાઓ સાથે જાહેર કરી, ભાજપની સરકારને કૌભાંડોની સરકાર નં. ૧નું બિરૂદ આપ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે, કૌભાંડોના નાણાં કમલમ્‍માં ઠલવાઈ રહ્યા છે.
શ્રી ધાનાણીએ બીટકોઈનનો મુદ્દો ઉપાડતાં જણાવ્યું હતું કે, બીટકોઈનનું રૂ. ૧ર કરોડથી શરૂ થયેલું કૌભાંડ રૂ. ર,૦૦૦ કરોડ ઉપર પહોંચ્યું છે. તેમાં કાળા નાણાં છુપાવવાનું બહુ મોટું કૌભાંડ થયું છે. નોટબંધી વખતે નાણાં સગેવગે કરવાના કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી હોવાથી બીટકોઈન મામલાની તપાસ મંથર ગતિએ ચાલી રહી છે અને મોટા માથાઓને બચાવવા રાજરમત ચાલી રહી છે. સરકારના દબાણ હેઠળ તપાસ એજન્સીઓ દ્વારા જે રીતે તપાસ થઈ રહી છે તે જોતાં તપાસ એજન્સીઓની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ ઉભો ન થાય તેની રાજ્ય સરકારે પૂરી તકેદારી લેવી જોઈએ. આ બનાવના મુળ સુધી પહોંચવા માટે વિપક્ષ તરીકે અમારી માંગણી છે અને તપાસ એજન્સીની કાર્યવાહીમાં કોઈપણ મોટા માથાઓને બચાવવામાં આવશે કે તેમાં સામેલગીરી હોવા છતાં છુપાવવાનો પ્રયત્ન થશે તો અમારે ના છૂટકે જેમની પરસેવાની કમાણી લુંટાઈ છે તેવા પ્રજાજનો સાથે મળી કોંગ્રેસ પક્ષે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી.
શ્રી ધાનાણીએ ખેડૂતોનો સળગતો મુદ્દો ઉઠાવતાં જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં ભાજપ સરકારના પાપે ખેડૂતો અને ખેતીની જમીન ધટતી જાય છે. ખેતીની જમીન બીનઉપજાઉ બનતી જાય છે. ખેડૂતોને ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈને આપધાત કરી રહ્યા છે. ભાજપના રાજમાં સાચા ખેડૂતોના બદલે મળતિયા અને કૌભાંડ આચરનારા લોકો સાથે મીલીભગત કરી, મગફળીના નામે હલકી મગફળી સાથે માટી ભરી, માટીના કોથળા સરકારી ગોડાઉનોમાં સળગાવીને નાણાં ચાંઉ કરવામાં આવી રહ્યા છે. ગોડાઉનો ઊંચા ભાડે વચેટીયાઓને કમિશન આપવા માટે ભાડે રાખીને ખરેખર ગોડાઉનો ભાડે રાખવાની શરતોને કોરાણે મુકી દેવામાં આવે છે. સરકારી ગોડાઉનોમાં ખરેખર મગફળી કેટલી સળગી ગઈ તેના અંદાજ-આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. સરકારની નજર તળે ગાંધીધામ, ગોંડલ, શાપરના ગોડાઉનો વેલ્ડીંગથી જ સળગ્યા છે તેવા કારણો બતાવી આ કૌભાંડ છુપાવવામાં આવી રહ્યું છે. આ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી છુપાવવાના પ્રયાસ નીંદનીય છે. આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ થાય, ખેડૂતોનું હિત જળવાય તે માટે ઉચ્ચકક્ષાની નામદાર કોર્ટના સીટીંગ જજના વડપણ હેઠળ તપાસ કરાવવાની વિપક્ષની માંગણી સરકારે સ્વીકારી નથી પરંતુ સરકાર સમક્ષ આ માંગણી અમે પુનઃ દોહરાવી રહ્યા છીએ. આ પ્રકરણમાં સત્ય છૂપાવાશે તો આવતા દિવસોમાં વિપક્ષ પ્રજાને સાથે લઈને આંદોલનો કરીને સરકારનાં કૌભાંડ બહાર લાવશે.
શ્રી ધાનાણીએ ગાયોના નામે ભાજપ પર રાજકીય રોટલા શેકવાનો ખુલ્લો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભાજપના રર વર્ષના શાસનમાં ગાય માતા માટે પાણી-ધાસ પુરતા પ્રમાણમાં કયારેય પણ પહોંચાડવામાં આવ્યા નથી. રાજ્યના શ્રેષ્ઠીઓ-દાતાઓ જ ધાસચારો આપી, સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી, પાંજરાપોળોના માધ્યમથી ગાયમાતાઓને બચાવે છે, ભાજપ માત્ર ગાયના નામે મત મેળવી ગાયોને પ્લાસ્ટીક ખાવા મજબુર કરી રહ્યું છે. બનાસકાંઠામાં બે વર્ષ પહેલા પુરથી થયેલા નુકશાન વખતે ગાયોને ધાસચારો પહોંચાડવાનું વચન આપ્યું પણ પાલન કર્યું નહિ, જેથી સંસ્થાઓએ આંદોલન શરૂ કરતાં ભાજપને ધાસચારો આપવાની જાહેરાત કરવી પડી. આ ધાસચારો આપવામાં પણ ભાજપે કૌભાંડ આચર્યું. બજારમાં રૂ. ૧.૯૦ પ્રતિ કિલોના હિસાબે મળતું ધાસ ભાજપ સરકારે રૂ. ૧પની પડતરથી અને પશુઓ ન ખાઈ શકે તેવું ધાસ ખરીદીને કૌભાંડ આચર્યું છે અને રૂ. ૨.૦૦ના રાહતદરે ફાળવવાનું નાટક કર્યું છે.
વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે લોકોને ભ્રમિત કરવા અને પોતે મસીહા હોય તેવી જાહેરાત કરી હતી કે, સરકારી પડતર ગૌચર-રેલ્વેના પાટાની સમાંતર જમીનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકાર દ્વારા ધાસચારો વાવીને ગાયો માટે ધાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે, હવેથી ગાયો માટે ધાસની કોઈ સમસ્યા નહિ રહે. પરંતુ આ જાહેરાત માત્ર જાહેરાત જ રહી હતી અને લોકોને ભ્રમિત કરવા માત્ર જાહેરાત જ કરાઈ હતી. શ્રી ધાનાણીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બિહારમાં લાલુ યાદવના ધાસચારા કાંડ કરતાં ગુજરાતમાં ગૌચર કાંડ હજારો ગણું મોટું છે. આજે રાજ્યના ૨૮૦૦ ગામડા ગૌચર વિનાના છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પાંજરાપોળોના માધ્યમથી તન-મન-ધનથી કામ કરતી હોવા છતાં સરકારી સહાયના અભાવે નોંધારી બની છે. રાજય સરકારના નેતાના ટ્રસ્ટને પણ ગૌચરની જમીન મેડીકલ કોલેજ માટે આપી તે ગામને ગૌચર વિહોણું બનાવી દેવામાં આવ્યું છે. નામદાર સુપિ્રમ કોર્ટના નિર્ણય મુજબ ગૌચરને અન્ય હેતુ માટે તબદીલ કરી શકાતું નથી. આ મુદ્દે અમે લીગલ અભિપ્રાય મેળવી રહ્યા છીએ અને અભિપ્રાય આવ્યા બાદ આ મુદ્દે પણ લડત ચલાવીશું.
શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, ગૌચર ધટતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. જંગલી જાનવર કે પાલતુ પશુઓ ચરિયાણના અભાવે ખેડૂતોના પાકને નુકશાન કરી રહ્યા છે. સરકારે ગાયો અને ગૌચર માટેની પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ. ૪૯૧,પપ,૮૯,૩૮પ.૪૯ ચો.મી. ગૌચર, સરકારી પડતર તેમજ ખરાબાની જમીન ઉઘોગપતિઓને ભેટ ચડાવવામાં આવી છે.
મોંધવારી વધવા માટે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની ખોટી નીતિઓ અને લાલચને શ્રી ધાનાણીએ જવાબદાર ઠેરવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, યુપીએ સરકારના વર્ષ-ર૦૧૪ના અંતિતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ૧૫૦ ડોલરની આસપાસ હતા, આજે ર૦૧૮માં મે મહિનામાં ભાવ ૭૫ ડોલરની આસપાસ છે, છતાં પેટ્રોલના રૂ. ૭૫ અને ડીઝલના રૂ. ૭૨ પ્રતિ લિટર વસુલીને ટ્રાન્સપોર્ટેશન મોંધું કરીને સામાન્ય પ્રજા ઉપર મોંધવારી ઠોકી બેસાડી છે. યુપીએ સરકારે ડીઝલના ભાવ ઓછા રાખીને મોંધવારી ન વધે તેનું ધ્યાન રાખ્યું હતું.
આજે પેટ્રોલ ઉપર ર૦% ડયુટી, રાજ્ય સરકારની ર૪% ડયુટી લગાવીને પ્રજાને લૂંટવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ રૂ. ૮૪ સુધી પહોંચાડયું છે. યુપીએ સરકાર વખતે પેટ્રોલ-ડીઝલના ટેક્ષની આવક રૂ. ૯૯,૦૦૦ કરોડની સામે ભાજપની એનડીએ સરકાર વર્ષ ર૦૧૬માં રૂ. ર,૦૪,ર૦૦ કરોડની આવક મેળવીને તે નાણા પોતાના પ્રચાર હોર્ડીંગો-જાહેરાતોમાં વાપરી રહી છે. પેટ્રોલ-ડીઝલને જો વેટમાંથી જીએસટીમાં લાવવામાં આવે તો પેટ્રોલ રૂ. ૪પ અને ડીઝલ રૂ. ૪૦ના ભાવે મળી શકે, જેથી મોંધવારી ધટે અને ગરીબોના પરિવારોને બટકુ રોટલો મળી શકે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ધટયા છે, તેનો લાભ પોતે લેવા કરતાં પ્રજાને આપવો જોઈએ.
ભાજપની સુજલામ સુફલામ યોજનાને માટી ખાઉં યોજનાનું નામ આપી આક્ષેપ કરતાં શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, બોરીબંધ અને ખેત તલાવડીમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડનો મુદ્દો મેં ઉઠાવ્યો હતો, જેમાં ભાજપ સરકારના પ્રવકતાશ્રી આઈ. કે. જાડેજા અને ઉપમુખ્યમંત્રીશ્રીએ કટાક્ષ કર્યો હતો કે, વિપક્ષ નેતાને ખબર નથી, તેઓમાં જાણકારી અને અનુભવનો અભાવ છે તેવું જણાવી મારી હાંસી ઉડાવી હતી. પરંતુ આ આગેવાનોની આવી વાતને મેં હકારાત્મક લઈને તપાસ આદરી હતી. આ યોજનાના અભ્યાસ દરમ્યાન મને જાણવા મળ્યું હતું કે, ભાજપ સરકારે વર્ષ ર૦૦૬થી ર૦૧૮માં વિવિધ વિભાગો જેવા કે ગ્રામ વિકાસ, વન, આદિજાતિ વિકાસ, જળસંપત્ત્િા, પાણીપુરવઠા અને મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા તાયફા કર્યા સિવાય કાંઈ કર્યું નથી. બોરીબંધ યોજનામાં મનરેગા યોજનાનો ખર્ચ થઈ શકે નહિ છતાં આ યોજનાની ગાઈડલાઈનથી ઉપરવટ જઈ માન. મુખ્યમંત્રીશ્રીની સુચનાની નોંધ સાથે, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવશ્રી રાજગોપાલન દ્વારા ૧૭ ઓગસ્ટ, ર૦૦૯ના રોજ ઈ-મેઈલના માધ્યમથી રાજ્યના તમામ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને બોરીબંધનો ખર્ચ મનરેગામાંથી કરવા સૂચના આપીને મનરેગા યોજનાની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે.
મનરેગાની ગાઈડલાઈન મુજબ જે નિભાવી શકાય તેવા કાયમી અને ટકી શકે તેવા જ કામો અંગે ભારત સરકારે મંજૂરી આપી હતી પરંતુ ભાજપ દ્વારા મારી-મચડીને કૌભાંડ આચરવા જ બોરીબંધનાં કામો કમલમ્‍ને મજબૂત કરવા કર્યાં હતાં. ગુજરાત જમીન વિકાસ નિગમ દ્વારા તળાવો ઉંડા કરવામાં રૂ. ૪,પ૦૦ કરોડ, સીમ તલાવડી અને ખેત તલાવડીમાં રૂ. ર,પ૦૦ કરોડ તેમજ બોરીબંધમાં રૂ. ૧,૦૦૦ કરોડની માતબર રકમનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીની સુચના મુજબ દરેક તાલુકામાં ૧,૦૦૦ બોરીબંધ મનરેગા અને એસ.જી.આર.વાય. યોજનામાં વર્ષ ર૦૦૭થી ર૦૧ર સુધીમાં કરવામાં આવ્યા છે. આવી રીતે રાજ્યમાં ચાર વર્ષમાં ૪,૧૬,૬૪૬ બોરીબંધ અને કુલ ૧૦,ર૯,૭૭૮ બોરીબંધ માત્ર કાગળ ઉપર બન્યા છે. ૧૦,૪૭,૩પ૩ ખેત તલાવડી, ૧,૮૯,૬પ૯ જળસંચયના તળાવ ઉંડા કરવા જેવા કૌભાંડો થયા છે. પ્રજાની જાગૃતિથી અનેક કૌભાંડ બહાર આવ્યા છે. સરકારને મજબુરીથી તપાસ કરવાની ફરજ પડતાં ગુજરાત જમીન વિકાસ નિગમના એમ.ડી. સહિતના અધિકારીઓ પાસેથી લાખોની રોકડ મળી આવી હતી અને ખેત તલાવડીઓ કાગળ ઉપર જ બની હોવાનું એન્ટીકરપ્શન વિભાગની તપાસમાં બહાર આવ્યું છે.
નર્મદાની નહેરોનું બાંધકામ પુર્ણ કરવામાં પર્યાવરણવાદીઓ કે સર્વોચ્‍ચ અદાલત બેમાંથી કોઈની કોઈ રોક-ટોક ન હોવા છતાં આજે પણ નર્મદાની ૨૧,૦૦૦ કિ.મી. કેનાલ નેટર્વકનું કામ બાકી છે. નહેરોની ગુંથણી તૈયાર હોત તો આજે રાજયની ૧૮.૪૮ લાખ હેકટર જમીનને સિંચાઈનો લાભ મળી શકયો હોત. ૧૮.૪૮ લાખ હેકટર સિંચાઈનો લાભ મળવાનો હતો તે જમીન ૫૬,૦૦૦ હેકટર ઘટાડીને ૧૭.૯૨ લાખ હેકટર કરી દેવામાં આવી છે. હાલની ૧૭.૯૨ લાખ હેકટરની સિંચાઈ ક્ષમતા સામે બાયસેગના અહેવાલ મુજબ રાજયમાં અંદાજીત ૮.૮૮ લાખ હેકટર જમીનને સિંચાઈનો લાભ મળી મળી રહ્યો છે જયારે ગુજરાત રાજયના સામાજીક-આર્થિક સમીક્ષા ૨૦૧૭-૨૦૧૮ મુજબ સરદાર સરોવર યોજના હેઠળ જૂન-૨૦૧૭ સુધીમાં અધિકત્તમ ઉપયોગમાં લેવાયેલ સિંચાઈ ક્ષમતા માત્ર ૬.૨૮ લાખ હેકટર જ છે આમ ત્રીજા ભાગની જમીનને સિંચાઈનો લાભ મળી રહ્યો છે જયારે બે ભાગની જમીન સિંચાઈના લાભથી વંચિત છે. નર્મદાનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવામાં રાજયમાં ૨૨ વર્ષથી એક હથ્‍થુ શાસન કરતી ભાજપની સરકાર નિષ્ફળ રહી છે આ નિષ્‍ફળતા છતી ન થાય તે માટે જળસંચયના નામે બોરીબંધ, ખેત તલાવડીઓ અને તળાવો ઉંડા કરવાના નાટકની સાથે કમલમમાં નાણાં પહોંચી રહ્યા છે.
શ્રી ધાનાણીએ પડકાર ફેંકતા મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું કે, હવે તમે કહો કે વિપક્ષ નેતાને જાણકારી નથી. તમે સહુ ચોખ્ખા હો તો તમે જ જિલ્લો-તાલુકો-ગામ નકકી કરો તે સ્થળે ખેતતલાવડી-બોરીબંધ-તળાવ ઊંડા કરવાના કામો બોગસ થયા છે તે અમે સાબિત કરી દઈશું.

Loading...
Loading...