Loading...

BAPS સંસ્થા ના યોગીજી મહારાજનો આજે ૧૨૬મો જન્મદિવસ

આધ્યાત્મિક જગતને નવી દિશા આપનાર – યોગીજી મહારાજનો આજે ૧૨૬મો જન્મદિવસ છે.

Loading...

સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લાનું ધારી ગામ. સંવત ૧૯૪૮ વૈશાખ વદ બારસે, પિતા દેવચંદભાઈ અને માતા પુરીબાને ત્યાં આ બાળયોગીનું પ્રાગટ્ય થયું. નામ રાખવામાં આવ્યું ઝીણાભાઈ.
બાળપણથી જ ઐહિક વિલાસોથી અનાસક્ત અને શાંત બાળયોગીનું મન કેવળ પ્રભુભક્તિમાં જ તલ્લીન રહેતું. પરમાત્માની વિભૂતિ સમા આ બાળકનું આકર્ષણ પણ ગજબનું હતું. ઝીણાના અલૌકિક વર્તનથી સમગ્ર ગામ જનતાને તેમાં બ્રહ્મતત્ત્વનો અણસાર આવવા લાગ્યો. ૭ વર્ષની ઉંમરે બાળયોગી ઝીણાનો અભ્યાસ આરંભ થયો. તમામ વિદ્યાઓનું મૂળ બ્રહ્મવિદ્યાને હસ્તગત કરેલ આ બાળયોગી પોતાની તીવ્ર સ્મરણ શક્તિથી લૌકિકવિદ્યામાં પણ હંમેશા પ્રથમ રહેતા. ઘર, પરિવાર અને સમગ્ર ગામના લાડીલા હોવા છતાં ઝીણાની આંખો તો સદૈવ પરબ્રહ્મના સાક્ષાત્કારને ઝંખતી. આખરે સંવ્ત ૧૮૬૫ ના કાર્તિક સુદ ૭ ના મંગલ પ્રભાતે ઝીણાભાઈએ ગૃહત્યાગ કરી, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની વાટ લીધી. હવે તેઓ પાર્ષદની પંક્તિમાં ઝીણા ભગત તરીકે ઓળખાતા. સંવત ૧૯૬૭ ચૈત્ર સુદ ૧૩ રોજ ઝીણા ભગતને ભાગવતી દીક્ષા આપવામાં આવી. હવે તેમનું નામ જ્ઞાનજીવનદાસ રાખવામાં આવ્યું.
સ્વામિનારાયણ ભગવાને આપેલા પંચવર્તમાનના પાલનમાં તેઓ હિમાલય જેવા અચલ હતા. તેમના અહંશૂન્ય વ્યક્તિત્ત્વની છાપ આજે પણ લોકો ભૂલી શક્તા નથી.
જન્મજાત સિદ્ધ યોગી એવા જ્ઞાનજીવન સ્વામીએ દાસત્વ ભક્તિને આત્મસાત કરી હતી. મંદિરનો ચોક વાળવો, વાસીદું કરવું, ગાય-ભેંસોની માવજત, ખડ વાઢી લાવવું, દાતણ કાપી લાવવા, દળવું, લીપવું વગેરે અનેક પ્રકારની સેવા તેઓ દાસભાવે કરતા. સંતો-ભક્તોની સેવાને તેઓ ભગવાનની સેવા માનીને કરતા.
તેઓ કદી વ્યર્થકાળ નિર્ગમતા નહીં, સમય મળે કે તરત જ ધ્યાન-ભજનમાં ઊંડા ઊતરી જતા. એમ ભગવાનના જ ધ્યાનમાં ઓતપ્રોત રહેવાથી બધા તેમને જોગીના (યોગી) નામે બોલાવતા. ગુરુ શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં જોગીનો યોગ પરાકાષ્ઠાએ પહોંચ્યો. ગુરુની આજ્ઞાને શિરે ચડાવીને તેઓએ શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનકાર્યને વેગ આપ્યો. જાણે કે અક્ષરપુરુષોત્તમ મહારાજની ઉપાસના માટે જ એમનું પૃથ્વી પરનું અવરતણ થયું ન હોય!

એક સવારે ગોંડલમાં યોગીજી મહારાજ(ગોંડલ મંદિરના મહંત) મુંડન કરાવવા વિરાજ્યા હતા. અડધું મુંડન થયું અને વાળંદને ઘરનું કંઈક કામ યાદ આવ્યું. ‘સ્વામી ! હમણાં ઘરે જઈને બે ઘડીમાં પાછો આવું છુ …’ કહીને અર્ધી હજામત છોડીને તે ઊપડ્યો.
યોગીજી મહારાજ રાહ જોતા બેસી રહ્યા.
પાંચ મિનિટ… દસ મિનિટ… વીસ મિનિટ… ત્રીસ મિનિટ… કલાક… દોઢ કલાક… સમય વીતતો ગયો… વાળંદ દેખાયો જ નહીં !
પણ એ દરમ્યાન યોગીજી મહારાજના મુખ પર એનો કોઈ પ્રતિભાવ જ નહીં ! તેઓ તો ભજનની મસ્તી ને ભગવદ્‌વાર્તામાં લીન થઈ ગયા !
અક્ષરમંદિરના ૬૫ વર્ષના આ મહંત, અડધી હજામતે બે કલાક સુધી રાહ જોતાં બેસી રહ્યા! પણ એમની ધીરજ ખૂટી નહીં. આખરે બે કલાકે વાળંદ આવ્યો. અને તે પણ પેલાની બદલીમાં કોઈ બીજો વાળંદ ! છતાં, રોષનો એક હરફ પણ ઉચ્ચાર્યા વગર સહજ હાસ્યથી એમણે નવા વાળંદને વધાવ્યો. અડધી હજામત પૂરી કરાવી… લાંબી પ્રતીક્ષાને અંતે પણ એમના ચહેરા પર ન તો કોઈ અકળામણ હતી… ન તો કોઈ રોષ હતો… નરી પ્રફુલ્લિતતા… નર્યો આનંદ…

આટલી ધીરજ આ ભારતના કોઈ સંતમાં હજુ સુધી જોવા મળી હોય એવો આ પેહલો પ્રસંગ હતો.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રીબાબુભાઈ જશભાઈ પટેલ યોગીજી મહારાજ માટે કહ્યું હતું. મારા ઉપર યોગીજી મહારાજની વિશેષ છાપ એમણે અહમ ઓગાળી નાંખ્યો હતો તેની પડી છે.
યોગીજી મહારાજની સાધુતાથી પ્રભાવિત ગોંડલના મહારાજ ભગવતસિંહજી કહે છે, આ સાધુ નિર્વિકારી અને નિર્લેપ છે. જગતથી નિરાળા છે. મારું અંતર એમની પાછળ પાછળ ખેંચાય છે.
તપ, ત્યાગ અને વાત્સલ્યની મૂર્તિ એવા યોગીજી મહારાજના હાથનો ધબ્બો ખાધેલા વડીલો આજે પણ હૈયાત છે. તેમના નિર્વ્યાજ પ્રેમને ભુલવું શક્ય નથી. એટલે જ કવિશ્રી દુલાભાયા કાગ જ્યારથી યોગીબાપાને મળ્યા, તેમના જ થઈ ગયા તેઓએ ગાયું કે,
જોગીડાને જોવા ગયાતા એ તો જોનારા ઝડપાણા, જ્ઞાનગંગામાં તણાણા.
બપોરના ધોમધખતા તાપમાં વિચરણ કરતા હોય, કે મંદિરના પાયામાં પૂરણી કરતા હોય, બે દિવસના સળંગ ઉપવાસ હોય કે અસહ્ય શરીરની પીડા-રોગ હોય, યોગીબાપાના મુખ પરનું હાસ્ય સદાય અક્ષુણ્ણ રહેતું.
યોગીજી મહારાજ ઘણીવાર કહેતા, સહન કરે તે સાધુ. આ સૂત્ર તેમણે સ્વયં પણ આત્મસાત કરેલું.
વિરોધીઓએ તેમનું ગમે તેટલું અપમાન કર્યું હોય, શારીરિક પ્રહારો કર્યા હોય, અપશબ્દોની વર્ષા કરી હોય, પણ યોગીજી મહારાજને ક્યારેય કોઈનો અવગુણ આવ્યો નથી. તેમણે હંમેશા એક જ પ્રાર્થના કરી છે. ભગવાન સૌનું ભલું કરો. આ જ શબ્દો આજે BAPS સંસ્થાની ધબકાર છે.

ગુરુ શાસ્ત્રીજી મહારાજ પોતાના વારસ યોગીજી મહારાજ માટે કહેતા. યોગી જેવા સાધુ અનંતકોટિ
બ્રહ્માંડમાં નથી.

Loading...
Loading...